ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ બહુ રસપ્રદ રહેવાનો છે. ભરુચ લોકસભા બેઠક પર આ વખતે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર કબ્જો કરવા ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ વચ્ચે છોટુ વસાવાની એન્ટ્રી થતાં આવનારી ચૂંટણી રસપ્રદ બનશે તેવું લાગી રહ્યું છે.....
છોટુ વસાવાએ લોકસભા ચૂંટણીને લઈ કરી મહત્વપૂર્ણ જાહેરાત
લોકસભાની ચૂંટણીઓને લઈને રાજ્યમાં ભાજપ અને ગઠબંધનની કોંગ્રેસ-આમ આદમી પાર્ટી પોતાની જીત માટે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીમાં ભરુચ બેઠક ચર્ચામાં છે કારણ કે અહીં ભાજપે સતત છ ટર્મ સુધી સિંટિંગ સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. જેમને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. આ વચ્ચે હવે 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થુ શાસન ચલાવનાર પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની 'BAP'(ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે અને તેઓ ભરુચ સહિત અન્ય બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે એવી જાહેરાત કરી છે. જોકે, પોતે ચૂંટણી લડશે કે નહીં એ બાબતે સસ્પેસ રાખ્યું છે...
ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવશે ઉમેદવાર
ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવાના નિવાસસ્થાને આજે ભારતીય આદિવાસી પાર્ટીના રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ધારાસભ્યોની આગેવાનીમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાને ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ બેઠક બાદ છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ સહિત મોટા ભાગની બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે અને થોડા સમય બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે એવું જણાવ્યું છે. જોકે, તેઓ ચૂંટણી લડશે કે નહીં તે બાબત ઉપર સસ્પેસ રાખ્યું છે.....
મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા વિરૂદ્ધ કરી ટિપ્પણી
આ બેઠકમાં તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ આદિવાસી ઉમેદવારો આદિવાસીઓનો માત્ર વોટ બેંક માટે ઉપયોગ કરે છે. આ બંનેમાંથી એકેયને હું નેતા માનતો જ નથી. આ લોકોએ સમાજ માટે કંઇ જ કર્યું નથી. માત્ર આદિવાસી મતદારોનો ઉપયોગ કરીને એમના મતો લઇને ચૂંટાયા છે.....
બદલાઈ શકે છે ચૂંટણીના સમીકરણો
વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી તે ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે....એટલે સમીકરણો બદલી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે....
મહેશ વસાવાએ ટિકીટ ના આપતા...
ઝઘડીયા વિધાનસભાની બેઠક પર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કર્યું હતું, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં BTP પાર્ટીના અધ્યક્ષ અને તેમના પુત્ર મહેશ વસાવાએ છોટુ વાસવાને ટિકિટ ન આપતાં તેઓ અપક્ષમાંથી લડ્યા હતા. જો કે, ભાજપના રિતેશ વસાવા સામે છોટુ વસાવાની હાર થઇ હતી અને ત્યાંથી પિતા અને પુત્ર વચ્ચે મતભેદ ઉભા થયા હતા.... છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા BTP પાર્ટીના અધ્યક્ષ હતા. જેઓ એક ટર્મ ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા હતા.
મહેશ વસાવાએ થોડા દિવસો પહેલા જ કેસરિયો ધારણ કર્યો
ત્યારબાદ તેઓએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ન આપી ઝઘડીયા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોધાવી હતી, પરતું પિતાએ અપક્ષમાંથી દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. મહેશ વસાવાએ થોડા દિવસો પહેલાં જ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે..... એક વાત તો ચોક્કસ છે કે, છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે....