કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શાબ્દિક પ્રહાર વધી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી માટે 'ઝેરી સાપ' શબ્દનો પ્રયોગ કર્યો હતો તો તેના જવાબમાં ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે 'વિષ કન્યા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પ્રિયાંક ખડગે ચૂંટણી પ્રાર દરમિયાન પીએમ મોદી માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે.
પ્રિયાંક ખડગેએ પીએમ મોદી માટે કરી હતી અભદ્ર ટિપ્પણી!
એક સમય હતો જ્યારે પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા પરંતુ હવે તો વ્યક્તિગત થઈને શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 'ઝેરી સાપ' અને 'વિષ કન્યા' જેવા શબ્દોનો ઉપયોગ ચૂટંણી પ્રચાર દરમિયાન થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રિયાંક ખડગેએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નાલાયક' શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે નિવેદન પછી જે બાદ કર્ણાટક ભાજપ દ્વારા સોમવારે પ્રિયાંક ખડગે વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી . જેને લઈ ચૂંટણી પંચે પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારી છે. આદર્શ આચાર સંહિતાનો હવાલો આપી પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારવામાં આવી છે.
ભાજપના ધારાસભ્યને પણ ચૂંટણી પંચે ફટકારી છે નોટિસ!
પ્રિયાંક ખડગેના નિવદેન પર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે બીજેપીના ધારાસભ્ય બસનગૌડા પાટિલને લઈ પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી માટે તેમણે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ઈલેક્શન કમિશન કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.