વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેઓ કરવાના છે. ઉપરાંત વિવિધ સ્થળો પર તેઓ જનસભા સંબોધી ભાજપના કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી ભરૂચ ખાતે પહોંચ્યા હતા ત્યાં જનસભાને સંબોધી હતી.
મુલાયમ સિંહને વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહને યાદ કર્યા હતા. ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રહી મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુલાયમ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે, તેમના જવાથી દેશને મોટી ક્ષતિ પહોંચી છે. મુલાયમ સિંહ સાથેનો તેમનો નાતો વિશેષ પ્રકારનો રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના આશીર્વાદ સદા હમેશાં મારી સાથે રહેશે.
અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવીશું - પીએમ
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે એક જમાનો હતો, આપણું ભરૂચ ખારી સીંગના કારણે ઓળખાતું હતું. અત્યારે ભરૂચ ઉદ્યોગસહિત ગુજરાત-ભારતમાં મહત્વનો ફાળો આપે છે. વધુમાં તેમણે કહ્યું કે અંકલેશ્વરમાં આપણે એરપોર્ટ બનાવીશું. ડબલ એન્જિનની સરકાર વિશે તેમણે કહ્યું કે નરેન્દ્ર -ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઈ જ અશક્ય નથી. ગુજરાત વિકાસની ઉંચી ટોચ પર થનગની રહ્યું છે.
દહેજ વિકાસનું મોડલ બન્યું છે - પીએમ મોદી
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રોરો ફેરી સર્વિસ દહેજની નવા ઓળખ બની છે. હજારો કરોડોના ઉદ્યોગ ભરૂચ-દહેજમાં થયા જેને કારણે દહેજ વિકાસનું મોડલ બની ગયું છે. ભરૂચ જિલ્લો વાયબ્રન્ટ બની ગયો છે. વધુમાં તેમણે કહ્યું કે બંગાળમાં નકસલવાદ શરૂ થયો છે. આદિવાસીઓની જીંદગી ખરાબ કરી નાખી. એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે મારે ગુજરાતમાં નકસલવાદ ઘૂસવા નથી દેવો.
ભારતની અર્થવ્યવસ્થામાં થયો સુધારો - પીએમ
પોતાના સંબોધનમાં તેમણે ઉમેર્યું કે આજે આદિવાસી માટે નવો વિશ્વાસ ઉભો કર્યો છે. આદિવાસી સમુદાયના જીવનમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે હું તો કાયમ કહું છું દેશને આગળ લઈ જવો હોય તો દરેક નાગરિક લઈ જઈ શકે છે, તમે લોકલ ફોર વોકલનો મતલબ સમજી લો. તેમણે કહ્યું કે 2014માં હું દિલ્હી ગયો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 10મા નંબરે હતું જ્યારે આજે ભારત 5માં નંબરે આવી ગયું છે. આપણે એક જેમના ગુલામ હતા તેમને પણ આપણે પાછળ છોડી દીધા છે.
કોરોના વેક્સિન અંગે તેમણે કહ્યું કે કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધું, ત્યારે આપણને દવા ઉદ્યોગની ખબર પડી અને ગુજરાતમાં બનેલી વેક્સિને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા જેટલો છે.