પેપર લીક આ શબ્દ ગુજરાતમાં તો પ્રચલિત થઈ ગયો છે થોડા સમયથી પરંતુ હવે આ શબ્દ હવે ઉત્તર પ્રદેશમાં પ્રચલિત થઈ રહ્યો છે! થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું.ઉમેદવારોના વિરોધ પ્રદર્શન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું છે. ધોરણ 12ના બે પેપર લીક થયા છે, પરીક્ષા શરૂ થઈ તેના એક કલાક બાદ પેપર વાયરલ થયું હોવાની માહિતી સામે આવી છે. યુપી બોર્ડના સચિવ અનુસાર ઈંટરમીડિએટ જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર બપોરે 3.10 વાગે એક whatsapp ગ્રુપમાં મોકલવામાં આવ્યું હતું.
ધોરણ 12 બોર્ડના બે પેપર થયા લીક!
ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત પેપર લીકની ઘટના બની છે. થોડા સમય પહેલા પોલીસ ભર્તીનું પેપર ફૂટ્યું હતું. પેપર લીક થવાની ઘટના સામે આવતા ઉમેદવારોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખી પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ ફરી એક વખત પેપર લીકની ઘટના બની છે. આ વખતે કોઈ સ્પાર્ધાત્મક પરીક્ષાનું પેપર નહીં પરંતુ ધોરણ 12 બોર્ડનું પેપર ફૂટ્યું છે.
પેપર લીક મામલે દાખલ કરાઈ પોલીસ ફરિયાદ!
પેપર લીક મામલે યુપી બોર્ડના સચિવ દિવ્યકાંત શુક્લાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મધ્યવર્તી જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર બપોરે 3:10 વાગ્યે એક વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યું હતું. યુપી પોલીસ ભરતી પેપર લીક વિવાદ સાથે આ કથિત ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર જે શાળામાંથી આ પેપર લીક થવાની ઘટના બની છે તેના આચાર્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ આની પહેલા અનેક વખત પેપર લીક થયા છે. જ્યારે પેપર લીક નથી થતાં અનેક ઉમેદવારોના સપના ચૂર થઈ જતા હોય છે.