800 કરોડના કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે તે બાબતે ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. વીસનગરના 20થી વધુ ગામોમાં લોકોએ ભાજપને નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે. આ ગામો વિપુલ ચૌધરીના સમર્થનમાં છે અને વિપુલ ચૌધરીની ગુજરાત સરકારે ધરપકડ કરી છે તે મામલે વિરોધ નોંધાવ્યો છે.
કોણે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો ?
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના અને ચૌધરી સમાજે ભાજપના નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે. સમગ્ર મામલે અર્બુદા ધામમાં મોટી સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. ચૌધરી સમાજના લોકો આ સભામાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
વીસનગરના લોકોની શું છે માગણી?
અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજના લોકોની બહુમતિ ધરાવતા વીસનગરના 20થી વધુ ગામોમાં ભાજપના વિરોધમાં બોર્ડ લગાવાયા છે. તમામ લોકોની માગણી છે કે વિપુલ ચૌધરીને ભાજપ મુક્ત કરાવે. જો વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો ભાજપના નેતાઓને ગામોમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
અર્બુદા સેનાનું શું કહેવું છે?
જમાવટે જ્યારે અબુર્દા સેનાના રાકેશ ચૌધરી સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "અમારા સમાજના નેતા વિપુલ ચૌધરીને જેલમુક્તિ કરવામાં આવે તે અમારી પ્રાથમિક માગણી છે. ભાજપ સરકાર વિપુલ ચૌધરી પર લગાવેલા ખોટા કેસ પાછા કેસ પાછા ખેંચે એવી અમારી માગણી છે. આવતીકાલે અર્બુદા ધામ વીસનગર રોડ ખાતે સમગ્ર મામલે મહાસંમેલન યોજવામાં આવશે જેમાં 25 હજારથી વધુ લોકો હાજર રહેશે. જો ભાજપ વિપુલ ચૌધરીને જેલમુક્ત નહીં કરે તો ભોગવવાનું રહેશે.
વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?
દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ રૂપિયાની વિપુલ ચૌધરીએ ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.