લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકિય પક્ષો અત્યારથી જ તેમની રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે દેશમાં બિન-ભાજપા સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થયા બાદ નીતિશ કુમારની આ સૌથી મોટી ઘોષણા છે.
બિહારમાં ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. એવું મનાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી કરી શકે છે. જો કે આ બાબત તે નકારી ચૂક્યા છે. મંગળવાર રાત્રે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે તેમણે મુલાકાત કરી હતી.
નીતિશ કુમાર આ નેતાઓને મળ્યા હતા
ગયા અઠવાડિયે દિલ્હીમાં નીતિશ કુમારે સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર હતા. તેમણે ગુરુગ્રામમાં હરિયાણાના પૂર્વ સીએમ અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ ચર્ચા કરી હતી.