2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકો માટે ભલે ચૂંટણી આવવાને એક વર્ષનો સમય બાકી લાગતો હોય પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઘણો ઓછો માનતી હોય છે. ઘણા સમય પહેલાથી ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી જતી હોય છે. ત્યારે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે.સીએમ તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. 2024ને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વની માનવામાં આવે છે.
#WATCH | Bihar CM Nitish Kumar along with Dy CM Tejashwi Yadav and JD(U) President Lalan Singh meets Congress President Mallikarjun Kharge and Rahul Gandhi in Delhi pic.twitter.com/SBsSKQlXD4
— ANI (@ANI) April 12, 2023
રાહુલ ગાંધી સાથે નીતીશ કુમારે કરી મુલાકાત
નીતીશ કુમાર હાલ ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે. મંગળવારે નીતીશ કુમારે લાલુ યાદવ સાથે બેઠક કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગઈકાલે રાહુલ ગાંધીએ લીધી હતી વાયનાડની મુલાકાત
છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમની દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે ગઈકાલે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંબોધન પણ કર્યું હતું. ઉપરાંત રેલીનું આયોજન પણ કર્યું હતું.