RBIએ ભારતની ચાલુ ખાતાની ખાધ (current account deficit)ના આંકડા જાહેર કર્યા છે. RBIના મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ચાલુ ખાતાની ખાધ ઝડપથી ઘટીને GDPના 1 ટકા અથવા 8.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ ઘટીને 8.3 અબજ ડૉલર થઈ છે, જે આપણી GDPના 1 ટકા બરાબર છે. RBIએ જણાવ્યું છે કે, માલસામાનની વેપાર ખાધ નીચી રહેવાથી તેમજ સર્વિસ સેક્ટરની નિકાસમાં વધારો થવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળી છે.
અગાઉ કેટલી હતી ખાધ?
એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ 9.2 અબજ ડૉલર (GDPના 1.1 ટકા) હતી જ્યારે એક વર્ષ પહેલાંના ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર 2022) 30.9 અબજ ડૉલર (GDPના 3.8 ટકા) નોંધાઈ હતી, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 26 ડિસેમ્બરે જાહેર કરેલા અખબારી નિવેદનમાં જણાવ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં માલસામાનની વેપાર ખાધ 78.3 અબજ ડૉલર હતી, જે જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ઘટીને 61 અબજ ડૉલર થવાથી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થયો છે.
સર્વિસ સેક્ટરની નિકાસ વધી
સર્વિસ સેક્ટર જેવા કે સોફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સર્વિસની નિકાસમાં 4.2 ટકાનો વધારો થયો છે. સર્વિસિસની ચોખ્ખી આવકમાં ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે વધારો થયો છે. જોકે, ઓક્ટોબરમાં માલસામાનની વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરનો ચાલુ ખાતાની ખાધનો ડેટા માર્ચ 2024માં જાહેર થશે.
ઓક્ટોબરમાં ઓલ-ટાઈમ હાઈ સ્તરે
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં ભારતની માલાસામાનની આયાત 31.5 અબજ ડૉલર જ્યારે માલાસામનની વેપાર ખાધ 65 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, નવેમ્બરમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને આયાત ઘટીને 54.5 અબજ ડૉલર જ્યારે વેપાર ખાધ ઘટીને 20.6 અબજ ડૉલર થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં ભારતની ચાલુ ખાતાની ખાધ 67 અબજ ડૉલર એટલે કે, GDPના 2 ટકા રહી હતી.