આજથી એટલે કે 26 ઓક્ટોબરથી વિક્રમ સંવત 2079ની શરૂઆત થઈ છે.
ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે.
કેટલીય પોળોમાં બેસતા વર્ષે સવારે સબરસ માગવાની પરંપરા જળવાઈ રહેલી છે.
દેશના કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે. પરંતુ ગુજરાતમાં સક સવંતના આઠમા મહિના કારતકથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. ગુજરાત મુખ્ય બે કારણોસર કારતકથી આસોના ચક્રને અનુસરે છે. વળી, સાલ મુબારક કહેવાની પ્રથા કઈ રીતે પડી તેનું પણ ખાસ કારણ છે.
આજે એટલે કે 26 ઓક્ટોબરથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થતાં સવારથી જ ગુજરાતના લોકો એકબીજાને 'સાલ મુબારક' કહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના ઘણાં રાજ્યોમાં ગ્રેગોરીયન કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત વસંત અથવા માર્ચ-એપ્રિલથી કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એવું નથી. ઘણાં રાજ્યોમાં વિક્રમ સંવત કેલેન્ડર પાળવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆત વસંત ઋતુમાં ચૈત્ર મહિનાથી એટલે કે માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે.
કેટલાય રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે ત્યારે ગુજરાતીઓનું નવું વર્ષ સક સંવતના આઠમા મહિના કારતકથી શરૂ થાય છે. બી.જે. ઈન્સ્ટીટ્યૂટના લર્નિંગ એન્ડ રિસર્ચ વિભાગના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર રામજી સાવલિયાના કહેવા અનુસાર, ગુજરાત બે કારણોસર કારતથી આસોના ચક્રને અનુસરે છે; પ્રથમ છે વીર નિર્વાણ સંવત અને બીજું છે વેપાર.
ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતીઓનો મોટો તહેવાર છે
"કેટલાય શાસકોએ જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું. દિવાળીને ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ માનવામાં આવે છે એટલે જ વીર નિર્વાણ સંવતની એ પછીના દિવસથી શરૂઆત થાય છે. આ જ પ્રકારે હિસાબી ચક્ર પ્રમાણે, દિવાળી પર ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. ચોમાસુ પૂરું થતાં ખેડૂતો માટે શાંતિનો કહી શકાય તેવો સમય હોય છે. એટલે જ આ કારણોની સાથે ધાર્મિક રીતે પણ દિવાળી ગુજરાતનો મોટો તહેવાર બની ગયો છે", તેમ પ્રોફેસર સાવલિયાએ જણાવ્યું.
પ્રતિકાત્મક રીતે, આ સમય નવી શરૂઆતનો હોય છે અને એટલે જ લોકો આ દિવસે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. સાથે જ ખુશીઓ અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. પ્રોફેસર સાવલિયાએ આગળ કહ્યું, "વિવિધ દિવસોથી સુધી તહેવારની ઉજવણી કરવામાં આવે છે કારણકે લોકો પાસે વાપરવા માટે ઘણાં રૂપિયા હતા, ખેતીની દ્રષ્ટિએ શાંતિનો સમય હોય છે અને હવામાન પણ ખુશનુમા હોય છે. પરંપરાગત રીતે જ દિવાળીથી લાભ પાંચમ સુધી વેપાર-ધંધા બંધ હોય છે."
ક્યાંથી પડી સાલ મુબારક કહેવાની પ્રથા?
પ્રોફેસર મકરંદ મહેતા જેવા ઈતિહાસકારે પણ ટાંક્યું કે, ગુજરાતમાં સાલ મુબારક કહેવાની પરંપરા આરબ દેશો સાથેના તેના વેપારને કારણે પડી છે. નવા વર્ષના કેટલાક શુકનવંતા કાર્યો પેઢી દર પેઢી જળવાઈ રહ્યા છે. કંસારાની પોળમાં રહેતા કિરણ રાણાએ કહ્યું કે, બાળપણમાં નવા વર્ષની શરૂઆત તેઓ ઘરે-ઘરે જઈને સબરસ માગવાથી કરતા હતા. મુઠ્ઠીભર મીઠું શુકનવંતુ ગણવામાં આવે છે. "કેટલીય પોળમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. આ જ પ્રકારે મંદિરે જઈને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે"