મેરઠનો સૌરભ રાજપૂત કેસ જેણે સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ કેસની તપાસ ખુબ જોરદાર રીતે ચાલી રહી છે. આ કેસમાં હવે ફોરેન્સિકની તપાસમાં ખુબ ચોંકાવનારા તારણો સામે આવ્યા જે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. આ ઘટનાએ ન માત્ર સમાજની આત્મા પર કુઠારાઘાત કર્યો છે પરંતુ આખી સમાજ વ્યવસ્થાના અસ્તિત્વને ખુબ મોટી ચેલેન્જ ફેંકી છે . મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાને હવે લગભગ ૨૫ દિવસથી વધારેનો સમય વીતી ચુક્યો છે. આ કેસની તપાસ પોલીસ , ફોરેન્સિક ટિમ અને સાયબર સેલ કરી રહી છે. જોકે હવે ફોરેન્સિક ટીમની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફોરેન્સિક ટીમે ૧૮ માર્ચે હત્યાનો ખુલાસો થયો તે દિવસથી ૨૫ માર્ચે સૌરભના રૂમની તપાસ સુધીના ફોરેન્સિક પુરાવા એકઠા કર્યા છે . આ તપાસમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.
બીજી ચોંકવાનરી બાબત એ સામે આવી છે કે , સૌરભના મૃત્યુ બાદ સાહિલ અને મુસ્કાને બ્લિચિંગ પાઉડરથી લોહીના ડાઘ સાફ કર્યા હતા . જે ચાદર પર સૌરભની હત્યા કરવામાં આવી હતી તે પણ ધોઈ નાખવામાં આવી હતી . ફોરેન્સિકની ટીમને રૂમથી બાથરૂમ સુધી લગભગ ૨૫ જગ્યાએ લોહીના ડાઘ મળ્યા હતા . જે પ્રકારે લોહીના છાંટા અનેક જગ્યાએ ફેલાયેલા જોવા મળ્યા છે તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે , સૌરભનું ગળું કાપવા માટે ૧૦થી વધારે વખત તેના પર ઘા કરવામાં આવ્યા હશે . હવે વાત કરીએ કે જે ચાકુઓથી આ ઘટનાને અંજામ અપાયો તેને ડ્રમમાં જ સિમેન્ટથી સીલ કરવામાં આવ્યા હતા . આ બને ચાકુ સૌરભના શરીરના ટુકડાઓ સાથે ડ્રમમાંથી મળ્યા હતા . મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટ્સ ચાકુ સાથે મેચ કરવામાં આવ્યા હતા . આ માટે પોલીસે બને ચાકુને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા હતા . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર , પ્રાથમિક તપાસમાં ચાકુ પર મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટસ મળી આવ્યા હતા . ફોરેન્સિક ટીમે સૌરભ અને મુસ્કાનનાં મકાનમાંથી લોહીથી ખરડાયેલા કપડાં , ચાદર , ઓશિકા કવર અને ઓશીકું પણ જપ્ત કર્યા છે. સૌરભના કપડાં પરના લોહીની તપાસ માટે તેના પરિવારના સભ્યોના લોહીના નમૂના પણ લેવામાં આવશે. ફોરેન્સિક ટીમે સાયબર ટિમ સાથે મળીને મુસ્કાન અને સાહિલના મોબાઈલ ફોનમાંથી મહત્વપૂર્ણ સંકેતો એકઠા કરી રહી છે. ટીમે મોબાઈલ લોકેશનનો નકશો તૈયાર કર્યો છે અને તેને કેસ ડાયરીનો ભાગ બનાવવા માટે પોલીસને સોંપ્યો છે. જોકે આ લોકેશનનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સૌરભ કેસમાં પોલીસ , ફોરેન્સિક અને સાયબર ટીમની તપાસ ખુબ મજબૂત રીતે ચાલી રહી છે. પુરાવા એકઠા કરવામાં કોઈ પણ કસર ના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી છે. ફોરેન્સિક ટીમના રિપોર્ટથી લઇને સાયબર ટીમના રિપોર્ટ સુધી આ કેસના તમામ પુરાવા ઈ-એવિડન્સ એપ પર સુરક્ષિત કરવામાં આવ્યા છે જેથી પુરાવાઓને કોર્ટમાં મજબુતીથી રજૂ કરી શકાય અને સજા ઝડપથી આપી શકાય.
આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું .