શું તમે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સીરીઝ જોવાના શોખિન છો? જો હા તો તમારા માટે આ મોટા સમાચાર છે. જો તમે તમારા મિત્રોને નેટફ્લિક્સ જોવા માટે તમારો પાસવર્ડ આપો છો તો હવેથી તમે તેવું નહીં કરી શકો. પાસવર્ડ શેરિંગના કારણે ઘટી રહેલી આવકના કારણે કંપનીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે હવે એક યુઝર્સ અન્ય યુઝર્સને પાસવર્ડ શેર કરી શકશે નહીં.જે મુજબ નેટફ્લિક્સનું સબ્સક્રિપ્સન લીધા બાદ યુઝર્સ તેનો માત્ર એક જ સ્થળેથી ઉપયોગ કરી શકશે.
નફો ઘટતા લીધો નિર્ણય
નેટફ્લિક્સને સતત થઈ રહેલા નુકસાન વચ્ચે પાસવર્ડ શેરિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ નિર્ણયથી યુઝર્સ તો વધશે જ સાથે સાથે તેની આવકમાં વૃધ્ધી થશે. જો યુઝર્સ એક જ નેટફ્લિક્સ અકાઉન્ટને અનેક ડિવાઈસમાં ઉપયોગ કરતા હોય અથવા મિત્રો સાથે શેર કરતા હોય તો તેમના રજિસ્ટર્ડ ઈમેલ ID પર એક ઈમેલ આવશે. જો એક અકાઉન્ટ એક કરતા વધારે લોકો યુઝ કરતા હોય તો પ્રત્યેક સાત દિવસે એક કોડ મારફતે વેરિફિકેશન કરવામાં આવશે. આ સાથે જ પ્રાઈમરી અકાઉન્ટનું વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસમાં ઓછામાં ઓછા એક વખત જ કનેક્ટ કરી શકાશે. એકંદરે કરીએ તો નેટફ્લિક્સ ઈચ્છે છે કે તેના એક અકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરના લોકો કરે, નહીં કે મિત્ર અને સંબંધીઓ.ભારતમાં નેટફ્લિક્સ આ નિર્ણયથી હોબાળો મચવાની શક્યતા છે. આવું એટલા માટે કારણ કે નેટફ્લિક્સ એક એવું ઓટીટી ફ્લેટફોર્મ છે જે મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સે અગાઉ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.