નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતના પ્રવાસે આવેલા પીએમે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરારો થવાના છે. હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી જેમાં સરહદ વિવાદ પર વાત કરી હતી. પીએમ પ્રચંડ સાથેની બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું આજે હું કહી શકું છું કે અમારો સંબંધ હિટ છે. નેપાળના લોકો માટે નવા રેલ રૂટ શરૂ કરવામાં આવશે.
મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ!
ભારતના પ્રવાસે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ આવ્યા છે. પ્રચંડ ચાર દિવસ માટે ભારતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપિત જગદીપ ધનખડને પણ મળવાના છે. આજે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પ્રચંડ વચ્ચે બેઠક થઈ હતી. ભારતના સાંસ્કૃતિક રાજ્યમંત્રીએ નેપાળના પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને મળતા પહેલા પ્રચંડ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બંને નેતાઓએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય!
બેઠક બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક દરમિયાન હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે. આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરાઈ છે.
નેપાળ આવવા પીએમ મોદીને મળ્યું આમંત્રણ!
PM મોદીએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપથી કામગીરી શરૂ કરી દેવી જોઈએ. રામાયણ સર્કિટ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા.નેપાળના પીએમે કહ્યું કે મેં પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું છે. હું નેપાળમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છું. પીએમ મોદી સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં સીમા મુદ્દાને સોલ્વ કરવાનો આગ્રહ રાખી રહ્યો છું.