ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લૌસેન ડાયમન્ડ લીગમાં ઈતિહાસ સર્જયો છે. નીરજે પહેલા જ થ્રોમાં 89.08 મીટર દૂર ફેંક્યું જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ તેમના કેરિયરનો ત્રીજો સૌથી શ્રેષ્ઠ પ્રયાસ હતો. નીરજ ચોપરા આ રીતે ડાયમન્ડ લીગ મીટ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ સાથે જ નિરજ ચોપરાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તેણે બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ 85.20 મીટર ક્વોલિફાઇંગ માર્કને તોડીને ક્વોલિફાય કર્યું છે.
વર્લ્ડ એથલેટિક્સમાં જીત્યો હતો સિલ્વર મેડલ
તાજેતરમાં જ નીરજે વર્લ્ડ એથલેટિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ (2003) બાદ તે આવું કરાનારો ત્રીજો એથલીટ બન્યો હતો. ફાઈનલમાં નીરજે 88.13 મીટર સુધી ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો
નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઇનલમાં નીરજ પોતાની જાંઘ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે બર્મિઘહમમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ઈજાના કારણે 2022માં ભાગ લઈ શક્યો નહોતો.