એક સમય હતો જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. પ્રતિદિન સમાચારોમાં આવતું હતું કે આટલા લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવવાના બનાવોમાં સતત વધારો ઝિંકાયો છે. નાની ઉંમરે યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સરેરાશ પ્રતિદિન બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ હવે હૃદયહુમલાને લઈ એનસીઆરબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 8થી 9 લોકોના મૃત્યુ હૃદયહુમલાને કારણે થાય છે.
ગુજરાતમાં 8 જેટલા લોકોના હોર્ટ એટેકને કારણે થાય છે!
કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાની અસર તો ધીમે ધીમે ના બરાબર થઈ ગઈ પરંતુ કોરોના બાદ હાર્ટ એટેક ગંભીર રીતે લોકોને હચમચાવી રહ્યો છે. લગભગ દરરોજ અમે લોકો સમાચાર આપીએ છીએ કે રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અલગ અલગ જગ્યાઓ પરથી મોતના સમાચાર આવતા હોય છે. યુવાનોના મોત થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ પણ હૃદયહુમલાના શિકાર બની રહ્યા છે. હૃદય હુમલાના આકસ્મિક મોત મામલે દેશમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પહેલા ક્રમે મહારાષ્ટ્ર આવે છે જ્યારે બીજા ક્રમે કેરલા આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ એટલે કે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 2853 લોકોના હૃદયહુમલાને કારણે આકસ્મિક મોત થયા છે. ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે તેવું રિપોર્ટ પરથી જાણી શકાય છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
દેશમાં હૃદયરોગની ઘટનામાં જે કેસ નોંધાયા છે તેમાં 30થી 45 વર્ષની વયના 9722, 45થી 60 વર્ષના 12290 જ્યારે 60 વર્ષથી કે તેથી વધુ વયના 7063 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં વર્ષ 2022માં 2853 લોકોના આકસ્મિત મોત થયા છે જેમાં 2529 પુરૂષો તેમજ 324 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં આ મોતનો આંકડો 12591 છે જ્યારે કેરલામાં 3993 પર પહોંચ્યો છે. છત્તીસગઢમાં 468 લોકોના આકસ્મિત રીતે મોત થયા છે જ્યારે હરિયાણામાં 1148 લોકોના મોત થયા છે. ઓડિસામાં 501 લોકોના મોત, પંજાબમાં 908, રાજસ્થાનમાં 1422, તમિલનાડુમાં 1630ના મોત હૃદયરોગની આકસ્મિત ઘટનામાં થયા છે.
શિક્ષકોને અપાઈ રહી છે સીપીઆર ટ્રેનિંગ
ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 20-25 વર્ષના યુવાનોને કાળ ભરખી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થી ગમે ત્યારે અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. જેમણે હજી દુનિયા જોઈ નથી તે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. જો તમને પણ છાતીમાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો કંઈ પણ શરીરમાં અલગ અલગ લાગે તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.