ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોરબંદરના કુતિયાણાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને બે કોર્ટમાંથી મોટી રાહત આપી છે. આ બંને કેસમાં ગંભીર આરોપ હોવા છતાં કાંધલ જાડેજા સામે કોઈ પણ પુરાવા ન મળતા કોર્ટે ક્લીન ચીટ આપી હતી.
કાંધલ જાડેજા વિરૂધ્ધ આરોપ શું હતા
કાંધલ જાડેજાને પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ટોળે વળી ધમાલ કરવાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાણાવાવ -કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ એક ડઝન થી વધુ લોકો સાથે વર્ષ 2017માં ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાણાવાવ કોર્ટે પુરાવાના અભાવે ધારાસભ્ય કાંધલ જાડેજા અને 13 લોકોને નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા.
અમદાવાદમાં હથિયાર અને કારતૂસ સાથે પકડાયા હતા
તે જ પ્રકારે NCPના MLA કાંધલ જાડેજાને અમદાવાદ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર હથિયાર રાખવાના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને ક્લીનચીટ આપી છે. વર્ષ 2005માં ગેરકાયદે હથિયાર મળવા મામલે કાંધલ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. જો કે કોઈ પુરાવા ન મળતા કોર્ટે ક્લિનચીટ આપી છે.
વર્ષ 2005માં અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી હથિયાર અને કારતૂસ સાથે પકડાવાના ચકચારભર્યા કેસમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ(બિનતહોમત છોડી મૂકવા)નો હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ એ.બી.ભોજકે અરજદાર વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવા માટે કોઇ પુરાવો નહી હોવાનું ઠરાવ્યું હતું અને કાંધલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવાના હુકમને અયોગ્ય અને ભૂલભરેલો ગણાવ્યો હતો.