મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. શાસક અને વિરોધ પક્ષના વિવિધ નેતાઓ મોરબીની મુલાકાતે રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવ્યા છે. તેમણે દુર્ઘટના સ્થળ અને હોસ્પીટલમાં જઈ ઘાયલોના ખબરઅંતર પુછ્યા હતા. જો કે પીએમ મોદીની આ મુલાકાતનો વિરોધપક્ષના નેતાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. NCPના નેતા રેશ્મા પટેલ પણ મોરબીની મુલાકાતે છે. પીએમ મોદીનો વિરોધ કરી રહેલા રેશ્મા પટેલની દુર્ઘટના સ્થળેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રેશ્મા પટેલના ભાજપ સરકાર પર ચાબખા
પ્રધાન મંત્રી મોદીનો વિરોધ કરી રહેલા રેશમા પટેલે ભાજપ સરકાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર દ્વારા દેખાડો કરવામાં આવે છે અને સાચા ગુનેગારો ભયમુક્ત ફરે છે. સરકાર ચૂંટણી જીતવા માટે માનવ જમાવડાં થાય એવા ઘણા બધા પ્રવાસન સ્થળો ઉપર જે નક્કર વ્યવસ્થા અને દેખરેખ કરવાની હોય એ કરતી નથી. માનવ જીવનને મૂલ્ય વગરનું કરી દીધું છે, આવી દુઃખદ ઘટનાઓમાં લોકોના જીવ ગુમાવ્યા પછી મનોમંથનની જરૂર નથી, પરંતુ ઘટનાઓ ના બને એ પેલા જ સરકારે ચિંતન કરવાની જરૂર છે. મોરબીમાં વડાપ્રધાનની મુલાકાત માત્ર રાજકીય લાભનો રસ્તો બનીને ના રહે એ વિનંતિ કરું છું અને સાચા ગુનેગારોને દબોચવા માંગ કરું છું. ઓરેવા કંપનીના મુખ્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની પણ અમે માંગ કરીએ છીએ.