છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો થયો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલામાં નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મી શહીદ થયા છે. આ જવાનો ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ યૂનિટના હતા. નક્સલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.
સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કર્યો હુમલો!
બુધવાર બપોરે છત્તીસગઢમાં એક ઘટના બની હતી. નક્સલવાદી હુમલાની ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલવાદીઓ હોવાની જાણકારી મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. આ ઘટનાને લઈ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે.
સીએમએ આ ઘટના બાદ આપી પ્રતિક્રિયા!
ભૂપેશ બાઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં નહીં આવે. આ ઘટના ખુબ જ દૂખદ છે. નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.