પાકિસ્તાનમાં નવાઝ શરીફની ટોપી આજકાલ ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે નવાઝ શરીફે પહેરેલી ગુચી (Gucci) કંપનીની જે ટોપી પહેરી છે તેની બજારમાં કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયાની છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ નવાઝ શરીફ 1 લાખ રૂપિયાની ટોપી પહેરીને ફરે છે.
નનકાના સાહિબમાં કેપ પહેરીને રેલી કરી
નવાઝ શરીફની કેપ તેની કિંમતની સાથે અન્ય કારણસર પણ ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે કેપ પરના પટ્ટાઓ ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઝંડા જેવા જ છે. નવાઝ શરીફે હાલમાં જ પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં આ કેપ પહેરીને રેલી કરી હતી.
લોકોમાં રોષ શા માટે છે?
એજન્સી અનુસાર, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે તેમના દેશમાં આ દિવસોમાં પેટ્રોલ-ડિઝલ, વીજળી અને ખાદ્યપદાર્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત વિદેશી હુંડિયામણના અભાવે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિશ્વ બેંકની એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનની રિકવરી આર્થિક અસંતુલનના કારણે અટકી ગઈ છે.