દરેક બાળકને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને સારા શિક્ષણ પર દરેક વિદ્યાર્થીનો અધિકાર છે. દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. બાળકોને શિક્ષણ તો મળી રહ્યું છે પણ શિક્ષા મેળવવા અનેક કિલોમીટરની પદયાત્રા કરવી પડે છે. વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા 8 કિલોમીટરની યાત્રા કરી બોરીયાછ ગામમાં આવેલી પોતાની શાળાએ પહોંચે છે. બાળકો માટે બસ સુવિધા શરૂ થાય તે માટે કોંગ્રેસના આગેવાનો બાળકો સાથે શાળાએ પગપાળા પહોંચ્યા હતા.
અંતરયાળ વિસ્તારની વાસ્તવિક્તા
દેશને આઝાદ થયે ભલે 75 વર્ષ થયા હોય પણ અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી વિકાસથી વંચિત છે. શહેરના લોકોને ભલે વિકાસ દેખાતો હોય પણ ગામથી વિકાસ બહુ દુર છે. કહેવાય છે શિક્ષા પર દરેકનો અધિકાર છે પણ શિક્ષા મેળવવા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ભારે મહેનત કરવી પડે છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના વિદ્યાર્થીઓ બોરીયાછ ગામમાં આવેલી પોતાની શાળા પર પહોંચવા દરરોજ અંદાજે 8થી 10 કિલોમીટર ચાલવું પડે છે. શાળા પર પહોંચવા માટે 2 ક્લાકનો સમય લાગે છે, ઉપરાંત દરરોજના આટલી લાંબી પગપાળા કરવાને કારણે બાળકો થાકી પણ જાય છે. જેને કારણે વિદ્યાભ્યાસમાં તેમનું મન નથી લાગતું. અભ્યાસમાં મૂડ ન આવવાને કારણે તેમના પરિણામમાં પર પણ અસર દેખાય છે.
કોંગ્રેસના ધારાસભ્યે કરી બાળકો સાથે પથયાત્રા
વિદ્યાર્થીઓની વેદના સમજીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને તેમજ કોંગ્રેસના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓ સાથે ચાલી ખાટાઆંબાથી બોરીઆછ સુધી પહોચ્યાં હતા. બાળકો માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે શાળાના આયાર્યે એસ.ટી વિભાગમાં અરજી કરી હતી. બીલીમોરા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી બસની સુવિધા શરૂ ન કરાતા બાળકો હજુ પણ આ મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે એસ.ટી વિભાગ તેમની માગને સ્વીકારી બસ સત્વરે ચાલુ કરે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી વિશે બીલીમોરા એસટી ડેપો મેનેજરને પણ શાળાના આચાર્ય દ્વારા રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બસ ચાલુ કરવામાં આવી નથી ત્યારે બસ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવીજ તેમની માંગ છે. અને જો વહેલી તકે બસ સુવિધા શરૂ નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
બાળકોની મુશ્કેલીનો જલ્દી આવે અંત
આજના બાળકો દેશના ભાવિ છે. ત્યારે બાળકોને જો શિક્ષણ મેળવવા આટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવનાર સમયમાં તેમને પોતાનો હક મેળવવા કેટલો સંઘર્ષ કરવો પડશે. ત્યારે દેશના તમામ બાળકોને શિક્ષા મળે અને તેમને પડી રહેલી મુશ્કેલીનો અંત જલ્દી આવે તે માટે પ્રયાસ હાથ ધરાય તેવી આશા.