દક્ષિણ ગુજરાતમાં નવસારી કેરીના ઉત્પાદન માટે જાણીતું છે, આ વર્ષે નવસારી માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી APMC માર્કેટના વહીવટદારોના જણાવ્યા પ્રમાણે નવસારી APMCના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં આ વર્ષે ગત વર્ષ કરતાં પણ કરીની આવકમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અઢી લાખ મણ કેરી APMC માર્કેટમાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે કેરીનો પાક નવસારી જિલ્લામાં ખૂબ જ ઓછો આવ્યો હતો જેના કારણે અહીંનાં APMCના માર્કેટયાર્ડમાં પણ હરાજી માટે ઓછી આવી હતી.
આ ભાવમાં થઈ હરાજી
નવસારીના APMC માર્કેટ દ્વારા રોજ સાંજના સમયે કેરીની હરાજી કરવામાં આવે છે નવસારી એપીએમસી માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના જણાવ્યા મુજબ કેસર કેરીનો 1345, દશેરીનો 890, લંગડાનો 640, હાફૂસનો 1200, રાજાપુરીનો 650 તથા તોતાપુરીનો 380 રૂ. ભાવ નોંધાયો છે. જ્યારે દેશી કેરીનો 960, બદામનો 615, વનરાજનો 425, કરંજનો 305, આમ્રપાલીનો 650 અને સરદારનો 240 રૂ. ભાવ નોંધાયો છે. આમ રોજ નવસારીના એપીએમસી માર્કેટમાં 5,000 થી વધુ મણ કેરી ઠલવાઈ રહી છે.
હાફૂસ કેરીનો ભાવ ઘટવાની શક્યતા
APMCના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે જે હાફૂસ કેરીનો ભાવ સ્થિર રહ્યો હતો તેટલો જ ભાવ હાલના સમયમાં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈપણ મહદંશે ફેરફાર જોવા મળતો નથી. આ વખતે હાફૂસ કેરીનો ભાવ એટલા પ્રમાણમાં છે કે સામાન્ય વર્ગ પણ કેરી ખાઈ આ સિઝનમાં આનંદ માણી શકે છે .