રાજ્યમાં કોરોનાના કહેર બાદ 2 વર્ષે ધામધૂમથી નવરાત્રી યોજાવા જઈ રહી છે. આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં દાંડિયા-રાસ અને ગરબાના શોખિન અમદાવાદના ખેલૈયાઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરશે. વહીવટી તંત્ર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.
GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમશે અમદાવાદીઓ
સરકાર વહીવટી તંત્ર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વાઈબ્રન્ટ નવરાત્રીમાં તમામને એન્ટ્રી ફ્રી આપવામાં આવશે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમશે. આ માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.
શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું શું છે મહત્વ?
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.