મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના તહેવારનો આજથી એટલે કે તા.15થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર અને મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. નવરાત્રી નિમિત્તે રાજ્યના વિવિધ શક્તિ ઉપાસનાના કેન્દ્ર એવા વિવિધ તીર્થ સ્થાનોને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ દિવસે મા આધ્યશક્તિની પૂજા અને દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી અને સૌરાષ્ટ્રના રાજકોટમા આશાપુરા, મધ્યગીરમાં કનકાઈ, ખોડલધામ, ચોટીલા ચામુંડા માતાજી, વાંકાનેર પાસે માટેલ ધામ, દ્વારકા-પોરબંદર વચ્ચે હર્ષદ માતાજી, દ્વારકામાં ભદ્રકાલી માતાજી, ગોંડલ ભુવનેશ્વર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
પાવાગઢમાં મહાકાળીના દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ
નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી મહાકાળીના યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.
અમદાવાદના ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ કતારો
નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની લાંબી કતરા લાગી છે. વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર લાગી છે. મહાકાળીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.