ખેલ પુરસ્કારો માટે ખેલાડીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ભારતના બે યુવા બેડમિન્ટન સ્ટાર્સને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષનો ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીને આપવામાં આવશે. આ બંનેએ વિશ્વભરમાં બેડમિન્ટન ડબલ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ખેલ મંત્રાલયે આ તમામ નામોની પુષ્ટિ કરી છે.
આ ખેલાડીઓનું થશે સન્માન
તમામ ખેલાડીઓનું જાન્યુઆરીમાં સન્માન કરવામાં આવશે અને આ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન આ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સન્માનિત થનાર ખેલાડીઓની પસંદગી તે વર્ષના તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. રમતગમત વિભાગ તેમના નામની ભલામણ કરે છે. અર્જુન એવોર્ડ મેળવનારાઓની યાદીમાં લાંબી કૂદના એથ્લેટ શ્રીશંકર, સ્ટાર પેરા એથ્લેટ શીતલ દેવી, સ્ટાર મહિલા હોકી ખેલાડી સુશીલા ચાનૂ સહિત 26 ખેલાડીઓનો સમાવેશ થાય છે.