વર્ષ 2002 ના અમદાવાદના નરોડા ગામ હત્યાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે નરોડા ગામ હત્યાકાંડ કેસનો 21 વર્ષે ચુકાદો આપતા કોર્ટે 69 આરોપી નિર્દોષ જાહેર કર્યો છે. આ સાથે જ ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે.
86 આરોપીઓની ધરપકડ થઈ હતી
28 ફેબ્રુઆરી 2002ના રોજ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.જેમાં ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી આ મહત્વનો ચુકાદો આપ્યો છે.