આપણા હિંદુ ધર્મમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નદીને, ગાયને આપણે માતા માનીએ છીએ. ગંગા, યમુના, સરસ્વતી સહિતની તમામ નદીઓને આપણે ત્યાં પૂજ્ય માનવામાં આવે છે. ત્યારે ભારતમાં નર્મદા જયંતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી.
ભારતમાં નર્મદા જયંતી પર્વને ખૂબ જ મહત્વનો પર્વ માનવામાં આવે છે. આ દિવસ દરમિયાન નર્મદા નદીની પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીના ઉત્પત્તિ કેન્દ્ર એવા અમરકંટકમાં આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીને રેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 28 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતી આવી રહી છે.
અમરકંટક પર થાય છે વિશેષ પૂજાનું આયોજન
હિંદુ ધર્મમાં નદીમાં સ્નાન કરવાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં સ્નાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ નર્મદા નદીમાં સ્નાન કરવાનું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી. આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદા નદીનો ઉલ્લેખ મળતો આવે છે. માર્કન્ડેય મુનિના અનુસાર નર્મદા નદીના કણ કણમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે જ્યારે તાપીના સ્મરણમાત્રથી પાપમાંથી મુક્તિ મળે છે.
ઉત્પતિની અલગ અલગ મળે છે કથા
નર્મદા નદીની ઉત્પતિના અલગ અલગ ઉલ્લેખો આપણને મળે છે. એક પ્રચલિત કથા અનુસાર તપસ્યા કરવા ભગવાન શંકર મૈકલ પર્વત પહોંચ્યા હતા. તપ દરમિયાન તેમના પરસેવાના એક ટિપાથી આ પર્વત પર કુંડ બની ગયો હતો. આ કુંડમાંથી એક દીકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર આ દીકરીને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ. નદી રવ એટલે અવાજ કરતી વહેવા લાગી એટલે તેને રેવતી પણ કહેવામાં આવે છે.