ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતની રાજનીતિમાં પટેલ ફેક્ટરને ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભાજપે ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પીએમને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અટકળો પર મૂકાયું પૂર્ણવિરામ
ચૂંટણીના માહોલ વચ્ચે એકાએક પીએમ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થવાને કારણે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થઈ શકે છે. અટકળો પર પૂર્ણ વિરામ આવી જાય તે માટે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો
ગુજરાતની રાજનીતિ અને ખોડલધામનો વિશેષ નાતો છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક વખત તેઓ ખોડલધામની મુલાકાતે આવતા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની વડાપ્રધાન સાથે મુલાકાત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન મોદીની સાથે કેમ બેઠક કરી હતી તે જણાવ્યું છે.તેમણે કહ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની ઓફિસમાંથી તારીખ આપવામાં આવશે.