ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચમોલી બજાર નજીક અલકનંદા નદીના કિનારે નમામિ ગંગે પ્રોજેક્ટની સાઈટ પર અચાનક જ કરંટ લાગતા 16 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને 6 લોકોને એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર કામ ચાલી રહ્યું છે, બુધવારે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે 24 લોકો ઘટના સ્થળે હાજર હતા જેમાંથી લગભગ 16 લોકોના મોત થયા છે.
મીટર વાયર દ્વારા કરંટ ફેલાયો
ચમોલીના એનર્જી કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત સક્સેનાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે વીજળીનો ત્રીજો ફેઝ ડાઉન થઈ ગયો હતો. બુધવારે ત્રીજો ફેઝ જોડવામાં આવ્યો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ દોડી ગયો હતો. ટ્રાન્સફોર્મરથી લઈને મીટર સુધી એલટી અને એસટી વાયર ક્યાંય તૂટેલા નથી, મીટર બાદ વાયરોમાં કરંટ દોડી ગયો હતો. સમાચાર મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપેટમાં આવી ગયા.
5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી ઘટનામાં મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની રાહત રકમ આપવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ચમોલીની ઘટના વિશે પૂછપરછ કરી હતી. સ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.