કર્ણાટક હાઈકોર્ટે આજે મુસ્લિમ સગીરાના લગ્નને ગેરકાયદે જાહેર કરતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઈસ્લામ ધર્મ પ્રમાણે થયેલા આવા લગ્નને પણ ગેરકાનૂની ગણાવ્યા છે. કર્ણાટક હાઈકોર્ટ તેના ચૂકાદામાં કારણ આપ્યું કે સગીરાના લગ્ન કરાવવા તે POCSO કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક મુસ્લિમ સગીરા સાથે લગ્ન કરનારા યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ રાજેન્દ્ર વાદામીકરની હાઈકોર્ટ બેંચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તે દલીલ પણ સ્વિકારી ન હતી કે સગીરા પ્યૂબર્ટી મેળવી લે ત્યાર બાદ કે 15 વર્ષની થવા પર તેના લગ્ન કરવા પર બાળ લગ્ન નિષેધની કલમોનું કોઈ ઉલ્લંઘન ગણાશે નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદેસર ઉંમર એટલે કે 18 વર્ષ કરતા નાની વયે લગ્ન કરવા તે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવશે.
સમગ્ર મામલો શું હતો?
બેંગલુરૂના એક આરોગ્ય કેન્દ્રમાં તપાસ બાદ એક 17 વર્ષની મુસ્લિમ સગીરા ગર્ભવતી મળી આવી હતી. કેમ કે તે સગીરા હોવાથી આરોગ્ય અધિકારીઓએ કેઆર પુરમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જામીન માટે અરજીકર્તાના વકીલની દલીલ હતી કે ઈસ્લામિક કાયદા પ્રમાણે યોવનમાં પ્રવેશતી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી યુવતી સાથે લગ્ન કરવા તે બાળ લગ્ન ન કહીં શકાય. અને કાયદાની કલમ 9 અને 10 હેઠળ કોઈ ગુનો મનાતો નથી. જો કે હાઈકોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી.