ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ હત્યા, બળાત્કાર અને લૂંટની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આજે ધોળે દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની હત્યા કરી બંને અજાણ્યા શખસ નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે આ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. નિર્મમ હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો યુવક
સુરત નજીકના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ નામનો યુવાન સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો. ત્યારબાદ તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઇસમોએ સૂરજને આંતરીને તેના પર હુમલો કર્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. સૂરજ યાદવ લોહીલૂહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.