કચ્છનું મુન્દ્રા પોર્ટ છેલ્લા ઘણા સમયથી અનેક નકારાત્મક કારણોથી ચર્ચામાં રહ્યું છે. DRIએ આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે. આ કન્ટેનરમાં તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. DRIએ માલસામાનની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે સિગારેટનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. અલગ અલગ સિગારેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલી સિગારેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આશરે ભારતીય નાણા પ્રમાણે રૂપિયા 16 કરોડ છે. DRIની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, જપ્ત કરાયેલી સિગારેટના પેકેટમાં ‘મેડ ઇન ઇન્ડિયા’લખેલું હતું. મોટી માત્રામાં વિદેશી સિગારેટની જપ્તી એ DRI માટે મોટી સફળતા છે અને ભારતમાં વિદેશી સિગારેટની દાણચોરી પર તેની અસર પડશે. DRIએ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કઈ રીતે ઝડપાયો સિગારેટનો જથ્થો?
સિગારેટનો જથ્થો ઝડપાયો તે મામલે DRI અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત બાતમીના આધારે આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે આ કન્સાઇનમેન્ટને મોકલનારે “રેડીમેઇડ ગાર્મેન્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે કન્સાઇનમેન્ટ હજીરા પોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું. ઉપરોક્ત કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો જાહેર કરાયેલા માલ એટલે કે, તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. જેથી કોઈને શંકા ન જાય અને નિકોટીન વાળી સિગારેટના પાર્સલ દ્વારા યોગ્ય જગ્યાએ મોકલી શકાય. જો કે તમામ પેકેટોમાં વિદેશી મૂળની સિગારેટ “ગોલ્ડ ફ્લેક” હતી. DRI ની કાર્યવાહી દરમિયાન અલગ અલગ સિગરેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે.
અગાઉ પણ ઝડપાયું હતું સિગારેટથી ભરેલું કન્ટેનર
DRIના અધિકારીઓએ અગાઉ પણ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે DRIએ મુન્દ્રા પોર્ટ પર આયાત કન્ટેનર અટકાવ્યું હતું. જપ્ત કરાયેલ સિગારેટના જથ્થાની કિંમત 6.5 કરોડ જેટલી આંકવામાં આવી હતી. કન્ટેનરમાં પ્રથમ હરોળમાં ઓટો એર ફ્રેશનર હતા. જો કે જણાવેલી પ્રથમ લાઈનની પાછળ તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક્સ" હતી. આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર "મેડ ઈન તુર્કી"ના નિશાન હતા. કુલ 32.5 લાખ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે 6.5 કરોડ જેટલી આંકવામાં આવી હતી.