ભરૂચ લોકસભા બેઠક ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે ચૈતર વસાવા અથવા તો મનસુખ વસાવાને કારણે આ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી હોય છે ત્યારે આજે અહીંની ચર્ચા મમુતાઝ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે મુમતાઝ પટેલની લોકપ્રિયતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે સંદીપ પાઠક દ્વારા આપવામાં આવેલા નિવેદન પર મુમતાઝ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ચૈતર વસાવા પર તેઓ બોલ્યા છે.
મુમતાઝ પટેલને લઈ આપવામાં આવ્યું હતું આ નિવેદન!
થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા ચૂંટણી પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા વચ્ચે આપના સંદીપ પાઠકે ચૈતર વસાવાની લોકપ્રિયતા, લોકોના ઈમોશન્સ ચૈતર વસાવા સાથે જોડાયેલા છે તેવી વાત કહી હતી ત્યારે તે નિવેદન પર મુમતાઝ પટેલે પલટવાર કર્યો છે.
ચૈતર વસાવા માટે મુમતાઝ પટેલે કહી આ વાત!
મુમતાઝ પટેલે ચૈતર વસાવાને ભરૂચમાં ફરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જ્યારે પણ તે કોઈના ઘરે જાય છે તો લોકો કહે છે કે તમે અહમદ પટેલના દીકરી છો. ખુરશી પર બેસાડી તેમને કહે છે કે આ ખુરશી પર અહમદ પટેલ બેસતા હતા અને હવે તમારે આ ખુરશી પર બેસવાનું છે. ચૈતર વસાવાને ચેલેન્જ આપતા કહ્યું કે ચૈતર વસાવામાં દમ હોય તો એકલા હાથે ચૂંટણી લડીને બતાવે.