કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું છે. ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે સીટો ફાળવવામાં આવી છે તે છે ભાવનગર લોકસભા સીટ તેમજ ભરૂચ લોકસભા સીટ. આ બંને બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી ગઠબંધન પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલા આ બંને આપના ઉમેદવાર હતા પરંતુ હવે તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે.
મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હતા ગઠબંધનથી નારાજ!
ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની વાત કરવામાં આવતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી સામે આવી હતી. ગઠબંધનને લઈ ભાઈ બહેને પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસની લાગણીઓ આ સીટ સાથે જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો નાતો આ સીટ સાથે હતો. ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરે તેવું નિવેદન મૂમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફૈઝલ પટેલ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાઈકમાન્ડનો ઓર્ડર છે માનવો પડશે.
ચૈતર વસાવાના નામ પર લાગી મહોર!
મહત્વનું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધનને લઈ ગુજરાતમાં ચર્ચા પણ ન હોતી કરવામાં આવી. ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ તેમના સમર્થકો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. લોકો સાથે જોડાવાનો પ્રયત્ન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ મુમતાઝ પટેલને ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા બન્યા છે.