ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરને તેમના જન્મદિવસ પર મુંબઈ ક્રિકેટ એસોશિએશન એક ખાસ ગિફ્ટ આપવા જઈ રહ્યું છે. વાનખેડે સ્ટેડિયમની અંદર તેંડુલકરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર પ્રતિમાની સ્થાપના કરવા માટે જગ્યા નક્કી કરવા ગયા હતા. મુંબઈ ક્રિકેટ એસોશિએશન સચિનના 50મા જન્મદિવસના ખાસ અવસર પર તેમને આ ભેટ આપવાનું છે.
વાનખેડે સ્ટેડિયમમાં મૂકાશે સચિનની પ્રતિમા
ક્રિકેટમાં સચિન તેંડુલકરના યોગદાનને સન્માનિત કરવા મુંબઈ ક્રિકેટ એસોસિએશને એક નિર્ણય કર્યો છે. જે મુજબ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાને વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દાયકા બાદ ભૂતપૂર્વ ક્રિકેટરની આજીવન પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ એજ સ્ટેડિયમ છે જ્યાં સચિન તેંડુલકરે પોતાની છેલ્લી મેચ રમી હતી. કઈ જગ્યા પર પ્રતિમા સ્થાપિત કરવી તેની જગ્યા જોવા સચિન સ્ટેડિયમ ગયા હતા.
મૂર્તિ અંગે સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા
આ અંગે સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ મારા માટે એક સરપ્રાઈઝ છે. 1998માં મારા માટે વાનખેડે ખાતે શરૂઆત થઈ હતી. હું મારી પહેલી રણજી મેચ આ સ્ટેડિયમમાં રમ્યો હતો. ઘણું બધું શીખ્યો અને એક ક્રિકેટર બન્યો. મારા જીવનની અંતિમ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમ્યો હતો. મારા માટે લાઈફનું એક સર્કલ કમ્પલીટ થયું છે. અહીં બહુ બધી યાદો જોડાયેલી છે અને આ મોમેન્ટ મારા માટે બહુ મોટી છે. નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેમણે છેલ્લી મેચ રમી હતી. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 436 વનડે અને 1 ટી-20 મેચ રમ્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે બોલે છે.
સચિન તેંડુલકર ભારતનું ગૌરવ છે - એમસીએ પ્રમુખ
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેએ જણાવ્યું છે કે તેમને આશા છે કે આ વર્ષના અંતમાં ભારતમાં ઓડીઆઈ વર્લ્ડ કપ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ક્રિકેટમાં સચિનના યોગદાન વિશે આખી દુનિયા જાણે છે તેઓ ક્રિકેટ અને ભારતનું ગૌરવ છે.