મુંબઈ કસ્ટમ વિભાગે રવિવારે મુંબઈ એરપોર્ટ પર એક જ દિવસમાં 32 કરોડની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં મુંબઈ કસ્ટમ વિભાગે 7 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે 2 મહિલાઓની પણ ધરપકડ કરી છે.
28 કરોડનું સોનું કમર પર સંતાડ્યું
આ કાર્યવાહી કસ્ટમ વિભાગે એક જ દિવસની અંદર કરી છે, જેમાં પહેલા કેસમાં 4 ભારતીય નાગરીક તાંજાનિયાથી આવ્યા હતા. આ લોકોએ કમર પર પટ્ટો લગાવ્યો હતો જેમાં સોનું છૂપાવ્યું હતું. ચારેય લોકો પાસેથી 28 કરોડ રૂપિયાનું 53 કિલો સોનું મળી આવ્યું છે. આ તમામ લોકોને 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે.
બીજા કેસમાં જાસુસી એજન્સીના આધાર પર મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઈટથી દુબઈથી આવેલા ત્રણ યાત્રીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય લોકો પાસેથી 3.88 કરોડનું 8 કિલો સોનું મળી આવ્યું છે. મીણના પેસ્ટથી સોનું પેન્ટમાં સંતાડવામાં આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓમાંથી એક સિનિયર સિટિઝન પણ હતા. તમામ લોકોને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાયા છે અને તપાસ ચાલી રહી છે.