લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતના કાર્યકરો અને નેતાની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા છે. આજે તેમણે ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઉપરાંત અગ્રણી પાર્ટી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ વાસનિકે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
આપ સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે વાસનિકે જણાવ્યુ કે હજી આ મારી પ્રથમ મુલાકાત છે અહીંના નેતાઓ સાથે ચર્ચા કરવા આવ્યા છીએ. પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે. મુકુલ વાસનિકે અમદાવાદમાં મિડીયા સાથે ચર્ચા કરતા વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ અને સંગઠનને મજબૂત કરવા અમે પ્રયત્ન કરીશું.
શક્તિસિંહ ગોહિલ નેતૃત્વમાં કોંગ્રેસ કરશે પદયાત્રા
મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા આગામી લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ લોકો સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે. તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે. આ સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ જિલ્લાની પદયાત્રાઓમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આવતીકાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો શુભારંભ થશે.