રિલાયન્સ જીઓની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા અંતે પુરી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીઓની 5G સર્વિસની જાહેરાત કરી હતી. RILના રોકાણકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે બ્રોડબ્રેન્ડની સ્પીડ હવે પહેલાની તુલનામાં ઘણી ફાસ્ટ હશે. કંપની ઓછામાં ઓછી કિંમતે તેની 5G સેવા આપશે. તે સાથે જ કનેક્ટેડ સોલ્યૂશન પણ આપવામાં આવશે. આ સર્વિસ દ્વારા દેશભરમાં 100 મિલિયન ઘરોને કનેક્ટ કરવામાં આવશે.
એડવાન્સ SA ટેકનોલોજી પર આધારીત 5G સેવા
કંપનીની 5G સેવા અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જમાવ્યું કે જીઓની 5G સર્વિસ અદ્યતન SA ટેકનોલોજી પર આધારીત હશે. દેશની અન્ય ટેલીકોમ કંપનીઓ જુના સોલ્યુશનનો ઉપયોગ કરીને તેમની 5G સર્વિસ લોન્ચ કરી રહી છે, જ્યારે JIO સ્ટેંડએલોન 5G સર્વિસનો ઉપયોગ કરશે.
મેટ્રો શહેરોમાંથી થશે પ્રારંભ
આ 5G નેટવર્ક માટે કંપની 2 લાખ કરોડ ખર્ચ કરશે. દિવાળીના સમયે જીઓ 5G લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસને સૌથી પહેલા મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં દરેક શહેરમાં જીઓ 5G લોન્ચ કરવામાં આવશે.