વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિવિધ નકારાત્મક કારણોથી સતત વિવાદોમાં રહેતી હોય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. એમ.એસ.યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પહેલા જ બે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણકારી યુનિવર્સિટી વિજિલન્સ ટીમને મળતા તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમના સભ્યોએ હોસ્ટેલની 34 નંબરની રૂમમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને શંકા જતા તેઓ તરત જ ભાગી ગયા હતા. ટીમને 34 નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. રાજ્યના શિક્ષણધામમાં આવી પ્રવૃતિઓ વધી રહી છે તે ચિંતાનો વિષય છે.