વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે. નવી રણનીતિ સાથે આ વખતે ચૂંટણી લડાઈ રહી છે. નવી રણનીતિમાં મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલો જૂના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ વિવાદ છેડાયો છે. ઈટાલિયાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાનની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર અનેક પ્રતિક્રિયા મળી રહી છે. સ્મૃતિ ઈરાની બાદ સાંસદ દર્શના જરદોશે પ્રતિક્રિયા આપી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ તેમના સંસ્કાર અને માનસિકતા છે.
સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે - દર્શના જરદોશ
થોડા દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે વડાપ્રધાન માટે અપશબ્દ વાપર્યા હતા. જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સાંસદ દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન મોદીની માતા પર જે ઉચ્ચારણો પાર્ટીના લોકો કરી રહ્યા છે તે તેમના સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે.
હીરાબા ઉપર કોઈ પણ આક્ષેપ ચલાવી નહીં લઈએ
100 વર્ષની ઉમરે પહોંચેલી માં કે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે. જે સંઘર્ષ કર્યો છે. જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે વખતે મળે છે. જે વડાપ્રધાનના નિવાસ સ્થાને જઈને રહેતા નથી. તે માતાને ચૂંટણીના પ્રચારમાં ઢસડીને જે માનસિકતા સાથે આક્ષેપ કર્યા છે તેને ભાજપનો મહિલા મોરચો ખરાબ રીતે વખોડે છે અને કહ્યું કે અમારી માતા સમાન હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ કરશો તો અમે ચલાવી નહીં લઈ એ. લોકો જ જવાબ આપશે. સંસ્કાર માટે કાર્યવાહી નહીં હોય.