હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલુ છે. વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. મહા મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જ્યારે આસો તેમજ ચૈત્ર નવરાત્રી પ્રચલિત નવરાત્રી છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. 26 સપ્ટેમ્બરથી આ વખતે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજી હાથી ઉપર સવાર થઈ ધરતી લોકમાં આવવાના છે.
દિવસ પ્રમાણે બદલાય છે માતાજીની સવારી
નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસ પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોકોમાં આવે છે. જો નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈ ભૂલોક પર આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને ધરતી લોક પર આવે છે. બુધવારના દિવસથી જો નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી હોળીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતા પૃથ્વી લોક પર આવે છે.
નવ દુર્ગાની કરવામાં આવે છે ઉપાસના
નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરી સાધક સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી સંધિકાળમાં શરૂ થાય છે જ્યારે 2 નવરાત્રી સામાન્ય ઋતુમાં આવે છે. શારદીય નવરાત્રી વર્ષા ઋતુના અંત સમયે તેમજ શિયાળાના પ્રારંભના સમયે આવે છે.