21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિના નામે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે. પોતાના દુઃખોથી કંટાળેલા લોકો અંધશ્રદ્ધા તરફ વળતા હોય છે. પરંતુ ઘણીવાર આ અંધશ્રદ્ધાના ચંગુલમાં કોઈકવાર એવી રીતે ફસાઈ જવાય છે કે તેનાથી ઘણું નુકશાન થાય છે. મહેસાણામાં પણ એક એવી ઘટના બની છે જેમાં એક માતા પોતાની દીકરીને ત્રણ મહિનાથી શોધી રહી છે. પણ તેનો કોઈ અત્તોપત્તો નથી લાગી રહ્યો.
60 વર્ષનો ઘરડો 23 વર્ષની યુવતીને લઈ ભાગ્યો
મહેસાણાના ધનાલી ગામના આ મુસ્લિમ મહિલા તેમની પરિણીત દીકરીને તાવીજ, દોરા કરતા બાપુ પાસે લઈ જતા હતા. તેમનું કહેવું છે કે દીકરીની તબિયત ખરાબ રહેતી હતી જેના કારણે તેઓ બાપુ પાસે લઈ જતા અને બાપુ ઘણીવાર દરવાજો બંધ કરી આ યુવતીનો ઈલાજ કરતા હતા. પછી અચાનક આ 23 વર્ષીય યુવતીને અને તેના બાળકને આ બાપુ ભગાડીને લઈ ગયો છે તેવું આ યુવતીના માતા જણાવી રહ્યા છે
અમારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી
વિગતો મુજબ, ધનાલી ગામની 23 વર્ષીય પરિણીતાની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી જેના કારણે તેના માતા હોસ્પિટલમાં લઈ જવાના બદલે વિધિ કરતા બાપુ પાસે લઈ જતા હતા. જ્યાં આ બાપુ તેમને આશ્વાસન આપતો હતો કે તમારી દીકરીને કંઈ જ નહિ થાય હું તેનો મારી વિદ્યાથી ઈલાજ કરી સ્વસ્થ કરી નાખીશ. પણ તેની માતાને ક્યાં ખબર હતી કે તે આ ઢોંગીની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. આ ઢોંગી બાબા તેમના પરિવારને બરબાદ કરી નાખશે. જોકે થોડા સમય બાદ આવું જ કઈક થયું આ 60 વર્ષનો ઢોંગી આ 23 યુવતી અને તેના બાળકને લઈને ફરાર થઈ ગયો છે. અચાનક ગાયબ થયેલી યુવતીની માતા અને તેનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહ્યા છે જેમાં તેમની માતા કહી રહ્યા છે કે મારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી.