ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગને લઈ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવી રાજ્ય સરકારને ટકોર કરી કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ન બતાવે. સરકાર તમામ સ્કૂલને ફરજિયાત ગુજરાતી ભણાવવાના આ નિયમનો કડક અમલ કરાવે તે અનિવાર્ય છે.
માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર
હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી છે કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો આ નિર્ણયનો કડક અમલ કરાવવામાં સરકાર લાચારી ન દર્શાવે. રાજ્ય સરકાર લાચાર હોઈ શકે નહી પરંતુ તેમ છતા જો સરકારને અમલવારી કરાવવામાં લાચારી લાગતી હોય તો હાઈકોર્ટ જરૂરી હુકમ કરશે. હાઈકોર્ટે ઉમેર્યુ કે ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે જણાવ્યુ હતું કે માતૃભાષાનું ભણતરએ બાળકનો અધિકાર છે.
માતૃભાષા અભિયાન સંસ્થાએ કરી હતી અરજી
ગુજરાત હાઈકોર્ટમાં ‘માતૃભાષા અભિયાન’સંસ્થાએ જાહેર હિતની અરજી કરી છે. સરકારના તારીખ 13 એપ્રિલ 2018ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશ: અને સત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર જૂદાજૂદા ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહીં થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. ગુજરાતી ભાષાની ફરજિયાત અમલવારી મુદ્દે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેનુ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તેમજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત છે. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યુ કે અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની અરજદારે રજૂઆત કરી હતી. આ અંગે વધુ સુનાવણી 22 ડિસેમ્બરે થશે.