આસો નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ છે. નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિની આરાધના કરવામાં આવતી હોય છે. નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમા નવરાત્રીમાં હોય છે. પહેલા નોરતે માતા શૈલપુત્રી, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાની, ચોથા દિવસે કુષ્માંડા માતાની અને પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા સાધકોએ કરી. ત્યારે આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માન્યતા અનુસાર કાત્યાયની માતાની પૂજા કરવાથી સાધકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કેવું છે માતાજીનું સ્વરૂપ?
માતાજીના નામ પ્રમાણે માતાજીના સ્વરૂપો પણ બદલાય છે માતા કાત્યાયની માતાના સ્વરૂપની વાત કરીએ તો માતાજી સિંહ પર સવારી કરે છે. માતાજીની ચારભૂજાઓ છે જેમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર માતાજીએ ધારણ કર્યા છે. એક હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે, એક હાથમાં તલવાર ધારણ કરી છે. એક હાથમાં વરદ મુદ્રા છે અને એક હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શા માટે માતાજી કાત્યાયનીના નામથી ઓળખાય છે?
શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ કાત્યાયને માતાજીને પ્રસન્ન કરવા ઘોર તપ કર્યું હતું. ઘોર તપથી માતા પ્રસન્ન થયા અને તેમના ત્યાં માતાજી પુત્રી રૂપે પ્રગટ થયા. મહર્ષિ કાત્યાનની પુત્રી હોવાને કારણે માતાજી કાત્યાયની કહેવાયા. એવું પણ માનવામાં આવે છે આ રૂપની પૂજા ભગવાન રામ તેમજ શ્રીકૃષ્ણએ કરી હતી. તે ઉપરાંત વ્રજની ગોપીઓએ પણ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે માતા કાત્યાયનીની ઉપાસના કરી હતી એવી માન્યતા છે. તે ઉપરાંત એવું માનવામાં આવે છે કે આજ સ્વરૂપમાં માતાજીએ દૈત્ય મહિષાસુરનો વધ કર્યો હતો. રાક્ષસનો વધ કરી માતાજીએ લોકોને રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. જે કોઈ ભક્ત માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે તેને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ માતાજીના આશીર્વાદથી થાય છે.

કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા?
માતાજીની આરાધના કરવા માટે આમ તો મુખ્યત્વે શ્રદ્ધાની જરૂર હોય છે. જે સાચા મનથી ભક્તિ, પ્રાર્થના કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થતા હોય છે. માતાજીની ઉપાસના કરવાના આમ તો અલગ અલગ મંત્રો છે, આખો ચંડીપાઠ છે પરંતુ દેવી કાત્યાયનીના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ.
चंद्र हासोज्ज वलकरा शार्दूलवर वाहना|
कात्यायनी शुभंदद्या देवी दानव घातिनि||
આજે કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ?
નવરાત્રીના અલગ અલગ દિવસો દરમિયાન માતાજીને દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિશેષ ભોગ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે માતાજી સમક્ષ મધનો ભોગ ધરાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મધનો ભોગ અર્પણ કરવાથી માતાના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે.