મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર, મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ થયા હાજર


  • Published By :
  • Published Date : 2023-01-31 17:20:33

સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી દેનારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલે આજે મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે. મોરબી દુર્ઘટના બાદ  તેઓ ફરાર થઈ ગયા હતા. આ બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા, મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ઝૂલતા બ્રિજના રિનોવેશનની કામગીરી ઓરેવા કંપનીએ કરી હતી. આ કામમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી, અને વધુ સુનાવણી તા. 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તે જ રીતે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. જો કે તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. એવું માનવામાં આવે છે કે જયસુખ પટેલે ધરપકડ ટાળવા માટે જ સરેન્ડર કર્યું છે.  


ધરપકડ વોરંટ ઈશ્યુ થયું હતું 


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી હતી અને હવે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં આજે જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે.


ચાર્જશીટમાં શું આરોપો હતા?


તાજેતરમાં જ 27મી જાન્યુઆરીએ પોલીસ દ્વારા મોરબી પુલ દુર્ઘટના મામલે મોરબી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, મોરબી ઝૂલતા પુલના મેનેજમેન્ટ, મેન્ટેનન્સ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્વારા 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો.15 વર્ષના માટે બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે. ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. 


135 લોકોના મોત થયા હતા


મોરબી શહેરની ઓળખ અને લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ મનાતો  ઝૂલતા પુલ ગત 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ સમગ્ર સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના બાદ બ્રિજના સમારકામ માટે જવાબદાર ઓરેવા ગ્રુપના એમ ડી  જયસુખ પટેલ ફરાર થઈ ગયા હતા. હાઈકોર્ટમાં પણ જનહિતની અરજીઓ થઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યાર બાદ સરકાર પર પણ જયસુખ પટેલને પકડવા માટે દબાણ હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?