મોરબી બ્રીજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે?, ઝુલતો પુલ તૂટી પડવાની આ ભયાનક દુર્ઘટનાને ઘટનાના કારણે 135 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર મોરબી કરૂણાંતિકા માટે જવાબદાર ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ હજુ પણ લાપત્તા છે. પોલીસ તેમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. જો કે હવે જયસુખ પટેલે જામીન માટે અરજી કરી છે.
જયસુખ પટેલની આગોતરા જામીન માટે અરજી
મોરબી સેસન્સ કોર્ટમાં જયસુખ પટેલે કોર્ટ પાસે પોતાના આગોતરા જામીન માટેની અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. આ સંદર્ભે હવે આગામી દિવસમાં કોર્ટ શું નિર્ણય કરશે તે પણ સામે આવશે. ઉલ્લેખનિય છે કે ઓરેવાનાં મેનેજર સહિત 9 લોકોના નામ છે.
આ 9 લોકોની થઈ છે ધરપકડ
ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા.
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોના ઈન્પેક્શન માટે સરકારે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ક્ષતિગ્રસ્ત અથવા તો રિપેરિંગ માંગતા હોય તેવા પુલને તાત્કાલિક રીપેર કરવા સરકારે આદેશ આપ્યાં છે. તે ઉપરાંત આ પ્રકારના પુલ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. જ્યારે મોરબી નગરપાલિકાને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.