30 ઓક્ટોબર 2022નોએ દિવસ 135 લોકો માટે અંતિમ દિવસ સાબિત થયો જે લોકો મોરબીના ઝુલતા પુલ પર ઉભા હતા. એક તરફ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા તો બીજી તરફ અનેક એવા પરિવાર હતા જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા. દિવાળીનો તહેવાર તેમના માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. એક વર્ષ થયું કદાચ આપણે એ ઘટનાને ભૂલી ગયા હોઈશું, જો યાદ પણ હશે પરંતુ એટલો આક્રોશ કદાચ આપણામાં આ ઘટનાને લઈને નહીં હોય જે એ સમયે હતો. પરંતુ એ પરિવારના સભ્યો આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે જેમણે આ ગોઝારી ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા હશે.
12 કલાકની અંદર કેસ કરાયો હતો દાખલ
મોરબી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોના વાંકે આ દુર્ઘટના સર્જાઈ તેની હજી તપાસ ચાલી રહી છે. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્વરીત એક્શન લેવા માટે સરકાર પર જાણે પ્રેશર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. મોરબી દુર્ઘટનામાં 12 કલાકની અંદર જ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્વરીત ધરપકડ તો કરી લેવામાં આવી પરંતુ તેમાંથી પાંચ લોકો હાલ જામીન પર બહાર છે.
ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી
આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી. આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તે જણાવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે.
એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી સુકાયા પરિવારના આંસુ
જે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે વખતે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર હાજર હતા. પ્રશ્ન એ વખતે પણ એ જ હતો કે કેટલા લોકો બ્રિજ પર ઉભા રહી શકે તે સંખ્યા નક્કી કરવામાં આવી ન હતી. ભીડને રોકવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સૌથી પહેલી અને અગત્યની વાત તો એ છે કે કોની પરવાનગીથી આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવ્યો? સુરક્ષા કર્મીઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષ તો પૂર્ણ થઈ ગયું પરંતુ પરિવારને ન્યાય નથી મળ્યો, પરિવારના આંસુ હજી નથી સુકાયા...