મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ મચ્છુ નદીમાં શરૂ કરાયેલા સર્ચ ઓપરેશનને આજે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. 30 ઓક્ટોબર રવિવારની સાંજે મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના બાદ ડૂબી ગયેલા લોકોને શોધવા માટે આર્મી, NDRF, SDRF અને એર ફોર્સ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ શરુ કરવામાં આવ્યું હતું.
રાહત કમિશ્નર હર્ષદ પટેલે કરી જાહેરાત
આજે મોરબી કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલને આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મચ્છુ નદીમાં હજું પણ 2 લોકો લાપતા થયેલા હોવાની માહિતી મળી હતી જેથી સર્ચ ચાલુ રાખવામાં આવ્યું હતું. જો કે બે દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નહતો. આજે પણ શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી પરંતુ કોઈ મૃતદેહ ના મળતાં સર્ચ ઓપરેશન બંધ કરાયું છે.
જિલ્લા કલેક્ટરે તરવૈયાઓનો માન્યો આભાર
રાહત કમિશ્નર હર્ષદ પટેલે બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં લોકલ ફાયર બ્રિગેડ તેમજ SDRF અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ તમામ દળની ટીમોનો તેમજ મોરબીની જાહેર જનતા, તરવૈયાઓ તેમજ મીડિયા સહિત જેમણે આ દુર્ઘટના અન્વયે કોઈ પણ સહયોગ આપ્યો છે તેમનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.