ગુજરાત સહિત સમગ્ર દેશમાં હડકંપ મચાવી દેનારી મોરબી ઝુલતા બ્રિજ દૂર્ઘટના કેસમાં સરકારે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન (SIT)એ ચોંકાવવારા ખુલાસા કર્યા છે. SITની ટીમે લાંબી તપાસ બાદ રજુ કરેલા પ્રિલીમીનરી રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં આ બાબત મંજુરી માટે રજુ કરવામાં આવ્યો નહોતો.
મોરબી ન.પાની બેદરકારીની સજા લોકોને મળી
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહીં અને સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ નહોતું કરાયું. આ સાથે જ તે પણ સામે આવ્યું છે કે 49માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. ચોંકાવનારી બાબત તે પણ છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું. વળી નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા. ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.
દુર્ઘટના કઈ રીતે સર્જાઈ?
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 130થી વધુ લોકોનાં મોત થયા હતા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ઓરેવા ગ્રુપ પર બ્રિજના સમારકામની જવાબદારી હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયો હતો. આ ઐતિહાસિક ઝુલતો બ્રિજ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.