ગુજરાત અને દેશભરમાં હડકંપ મચાવી દેનારી મોરબી પૂલ દુર્ઘટના બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી જો કે કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જામીન ફગાવ્યા બાદ હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થઇ જતા તમામને જેલમાં મોકલી આપવામાં આવશે.
FSL રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?
મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. કંપનીએ પુલની ક્ષમતાની પરવા કર્યા વગર આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી. તે ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હતી.
મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત
મોરબીકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા, આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના બાદ મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.