કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વયે યુવાનો મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. શા માટે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેનું કારણ જાણવા માટે ડોક્ટરની કમિટી તપાસ કરી રહી છે. રિસર્ચ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ નિવેદન આપ્યું છે. મહુવા ખાતે કથાની પુર્ણાહુતી દરમિયાન તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે.
તાલી પાડવાથી નળીઓ ખુલી જાય છે - મોરારી બાપુ
યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અનેક કિસ્સાઓ, સમાચારો સામે આવતા રહે છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. નિષ્ણાતોની ટીમ આનું કારણ જાણવા માટે રિસર્ચ કરી રહી છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે કથાકાર મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતો ન હતો. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાળી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.
યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો!
મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ ગરબા રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે ગમે ત્યારે મરી જાય છે તેવા વીડિયો તેવા સમાચારો આપણે જોયા છે. ત્યારે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.