મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે.આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે, અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.
ગઈ કાલે આ જિલ્લાઓમાં થઈ મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ગઈકાલે વડોદરા જિલ્લાના ડેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.04 ઈંચ, ભાવનગર જિલ્લાના જેસરમાં 2.04 ઈંચ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 ઈંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 1.9 ઈંચ, ખેડા જિલ્લાના ઠાસરામાં 1.6 ઈંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં 1.6 ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.3 ઈંચ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 1.2 ઈંચ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 1.2 ઈંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 68 જેટલા જિલ્લાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.